ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા, પહેલાંના જમાનાથી વેપાર ક્ષેત્રે આંતર રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ગુજરાત રાજ્યમાં ઉદ્દભવેલી અને ગુજરાતીઓ દ્વારા બોલાતી ભાષાનું નામ છે, ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષાને આંતર રાષ્ટ્રીય ફલક પર વર્ગીકરણ પ્રણાલીમાં ઇન્ડો-આર્યન ભાષા સમૂહમાં મૂકવામાં આવે છે. ગુજરાત અને ભારતનાં અન્ય રાજ્યો તથા પાકિસ્તાન ઉપરાંત વિશ્વનાં અનેક દેશોમાં ગુજરાતી ભાષા બોલતા લોકો વસે છે, જેમાં મહદ્અંશે, અમેરિકા, યુ.કે., કેન્યા તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાનાં અન્ય દેશો, કેનેડા, ઓસ્ટ્રેલિયા વિગેરેનો સમાવેશ કરી શકાય. ભારતને આઝાદી મળ્યા બાદ ગુજરાત રાજ્યની સ્થાપના ૧ મે, ૧૯૬૦ના રોજ થઇ હતી અને ત્યારથી ગુજરાત રાજ્યની અધિકૃત ભાષા તરિકે ગુજરાતીને સ્વીકારવામાં આવી છે.